સુશાંત સિંહ રાજપૂત આ નામ સાંભળીએ એટલે ઉમદા કલાકારની યાદીમાં આ નામ ઉમેરવાનું મન થઇ જ જાય પણ કાલે દુઃખદ સમાચાર સાંભળીને વાસ્તવિકતા ભારે હૃદયે સ્વીકારવી પડી.જે વ્યક્તિ પોતાની ફિલ્મ થકી જે પીડામાંથી ઉગારવાના ઉપાય આપી રહ્યો હતો તે પોતે અસહ્ય પીડાઇ રહ્યો હતો.
અને આવા સમાચાર આવે ત્યારે આપણી આંખો ખુલે છે,આપણી આસપાસ આવા ઘણા લોકો હશે જે કેટલા વર્ષોથી આ પીડાને ચૂપચાપ સહન કરી રહ્યા હોય...શું જોઈએ છે આવા લોકોને ફક્ત કોઈ વ્યક્તિનો સાથ,શબ્દો કે લાગણીની હૂંફ...
હું આજે એક છોકરીની વાત કહું.એ ડિપ્રેશનનો શિકાર ત્યારે બની જ્યારે એને એનો અર્થ સુદ્ધા ખબર નહોતી;૧૦ વર્ષની તો ઉંમર હતી એની અને એ પછી બે વાર પુનરાવર્તન થયું,કોઈને પોતાની વાત કહી ના શકવાને કારણે ૨૧ વર્ષની ઉંમરે પણ એ સ્થિતિમાંથી સંપૂર્ણપણે બહાર નથી આવી શકી અને આ સ્થિતિમાં કોઈ વ્યક્તિ પોતાની મરજી મુજબ આવી એની જિંદગીમાં મહત્વનું સ્થાન બની જાય છે અને એક દિવસ બધા સંબધો પર પૂર્ણવિરામ લગાવીને એની જિંદગીમાંથી ચાલ્યો જાય છે.
વિચારતી રહી એ,જે વ્યક્તિ આશારૂપી કિરણ બનીને આવ્યો હતો એ જ અંધકાર કરી ગયો.હા,એ વાતમાં કોઈ શંકા નથી કે પોતાની જાત સાથે વધુ પ્રેમ કરો પરંતુ ઘણા વ્યક્તિને કોઈનો સાથ વધુ અગત્યનો લાગતો હોય છે,એને એ સિવાય કોઈ આશા પણ નથી હોતી બસ એ વ્યક્તિનો સાથ પૂરતો હોય છે,આ છોકરી પણ એ જ ઈચ્છતી હતી અને કદાચ હજુ પણ એ જ ઈચ્છે છે,પરંતુ એની મનોદશા કોઈને કહી શકતી નથી તેથી જ તે વધુ અંતર્મુખી થતી જાય છે,ઘર પરિવારનું વિચારીને હંમેશા આખો દિવસ હસતી રહે છે પરંતુ રાતે એ પોતાની સાથી બની જાય છે,તેની ડાયરી, આકાશનો ચંદ્ર તેના સાથી બની જાય છે અને કદાચ આ જ સમય તેનો પોતાનો હોય છે, કોઈએ સાચું જ કહ્યું છે દરેક હસતા ચેહરા ખુશ નથી હોતા.
આ વાતથી હું જાણીતી છું, પણ આપણી આસપાસ આવા બીજા ઘણા લોકો હશે જે આવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હશે તો આપણે એને શબ્દો થકી તો હૂંફ આપી જ શકીએ...
- Naisargi Shukla.NS

હા આવું થતું હોય છે, આજે માણસ ચંદ્ર પર પોચી ગયો છે પરંતુ હજુ તે તેના નજીક ના લોકોના દિલ સુધી નથી પોચી શકતો😔
ReplyDelete👏🏻❤️
Delete